મહિલા એશિયા કપ જીત પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભા અધ્યક્ષે ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા.
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે મહિલા T20 એશિયા કપ 2026નો ખિતાબ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા. રાષ્ટ્રપત
જીતની ખુશી મનાવતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ


નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે મહિલા T20 એશિયા કપ 2026નો ખિતાબ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'એક્સ' પર જણાવ્યું કે, ભારતીય મહિલા ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ મેચ જીતી અને દેશનું ગૌરવ વધાર્યું. તેમણે ખેલાડીઓને યુવાનો, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત ગણાવતા ભવિષ્યમાં પણ સફળતાની નવી ગાથાઓ રચવા માટે શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન માટે જુનિયર પુરુષ અને મહિલા હોકી ટીમોને પણ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓનું સમર્પણ, અનુશાસન અને ટીમ ભાવના દેશ માટે ગૌરવનો વિષય છે.

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે, સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ખેલાડીઓની જીતનો સિલસિલો, ઉત્તમ ટીમ વર્ક અને અતૂટ સંકલ્પ દેશનું ગૌરવ વધારનારું છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સિદ્ધિ અસંખ્ય યુવાનોને મોટા સપના જોવા, રમતગમત અપનાવવા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે.

તેમણે જુનિયર મહિલા હોકી ટીમને એશિયા કપનો ખિતાબ જાળવી રાખવા અને સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહેવા બદલ પણ અભિનંદન પાઠવ્યા. જુનિયર પુરુષ હોકી ટીમની ફાઇનલમાં 4-1ની જીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓની કુશળતા, અનુશાસન અને દ્રઢ સંકલ્પ પ્રેરણાદાયક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું કે, આ ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે, સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમનો આત્મવિશ્વાસ, સાતત્ય અને શાનદાર જુસ્સો જોવા મળ્યો. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે આ જીત દેશભરના લાખો યુવાનોને રમતગમત સાથે જોડાવા અને આગળ વધવા માટે પ્રેરિત કરશે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ભારતીય મહિલા ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ખિતાબ જીત્યો અને આઠમી વખત એશિયા કપ પોતાના નામે કર્યો. તેમણે કહ્યું કે દરેક મેચમાં આત્મવિશ્વાસ, અનુશાસન અને ટીમ ભાવના સાથે રમતા મહિલા ક્રિકેટરોએ પોતાની પ્રતિભા અને દ્રઢ સંકલ્પનું શાનદાર પ્રદર્શન કર્યું.

બિરલાએ કહ્યું કે, આ જીત માત્ર એક ટ્રોફી પૂરતી સીમિત નથી, પરંતુ દેશની દીકરીઓની શક્તિ, મહેનત અને સપનાની જીત છે. તેમણે કહ્યું કે, ભારતીય મહિલા ખેલાડીઓની આ સિદ્ધિ યુવાનો, ખાસ કરીને દીકરીઓને મોટા સપના જોવા, સખત મહેનત કરવા અને લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રેરિત કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને મહિલા એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ જીત સાથે ટુર્નામેન્ટનો પોતાનો આઠમો ખિતાબ હાંસલ કર્યો. આ જીત સાથે ભારતીય ટીમે પાછલા સંસ્કરણની ફાઇનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો પણ હિસાબ ચૂકવી દીધો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande