
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય (ડીઆરઆઈ) એ, પાકિસ્તાનથી આયાત પર લાગેલા પ્રતિબંધને અવગણવાના પ્રયાસનો પર્દાફાશ કરતા, પાકિસ્તાન મૂળના 362 મેટ્રિક ટનથી વધુ ખજૂર (ડ્રાય ડેટ્સ) જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ડીઆરઆઈના વિશેષ અભિયાન ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ કરવામાં આવી.
નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ નાસિકના અંબડ સ્થિત કન્ટેનર ફ્રેટ સ્ટેશન પર મુંબઈની એક કંપની દ્વારા આયાત કરાયેલા ખજૂરથી ભરેલા 13 કન્ટેનરને રોક્યા. આયાત સંબંધિત દસ્તાવેજોમાં માલનો મૂળ દેશ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દર્શાવવામાં આવ્યો હતો.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું કે, માલના વાસ્તવિક સ્ત્રોતને છુપાવવા માટે સુનિયોજિત રીતે ટ્રાન્સ-શિપમેન્ટનો આશરો લેવામાં આવ્યો હતો. તપાસ અનુસાર, આ ખજૂર પહેલા પાકિસ્તાનના કરાચી બંદરગાહથી યુએઈના જેબેલ અલી બંદરગાહ મોકલવામાં આવ્યા. ત્યારબાદ ત્યાં માલને ફક્ત બીજા કન્ટેનરમાં સ્થાનાંતરિત કરીને ભારત મોકલી દેવામાં આવ્યો.
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, આ સંપૂર્ણ પ્રક્રિયામાં પાકિસ્તાની નાગરિકો દ્વારા સંચાલિત કેટલીક સંસ્થાઓની ભૂમિકા હતી. ડીઆરઆઈએ દસ્તાવેજો અને માલની વાસ્તવિક ઉત્પત્તિ વચ્ચેના તફાવતને ગંભીરતાથી લેતા ખેપને જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
નાણા મંત્રાલય અનુસાર, પહેલગામ આતંકી હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 2 મે, 2025 થી પાકિસ્તાનથી આવતા અથવા પાકિસ્તાન મૂળના તમામ સામાનના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ આયાત અને પારગમન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન મૂળના સામાનને ત્રીજા દેશોના રસ્તે ભારત લાવીને પ્રતિબંધોથી બચવાના પ્રયાસો પર નજર રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ડીઆરઆઈ ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ આવા સામાનની ઓળખ, રોકથામ અને જપ્તીની કાર્યવાહી કરી રહ્યું છે.
ડીઆરઆઈ અનુસાર, ખોટી ઘોષણા, ટ્રાન્સ-શિપમેન્ટ અને દસ્તાવેજોમાં હેરાફેરી દ્વારા વ્યાપાર પ્રતિબંધોને અવગણવાના પ્રયાસો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે. એજન્સીએ કહ્યું કે, નાસિકમાં કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રતિબંધિત વસ્તુઓના અપ્રત્યક્ષ આયાતને રોકવા અને સીમા શુલ્ક કાયદાઓના પ્રભાવી પાલનને સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ