
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર દેશવાસીઓને ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનનો મૂળ ધ્યેય ‘જન સેવા થકી દેશ સેવા’ રહ્યો છે અને છેલ્લા 25 વર્ષોમાં તેમણે આ જ સંકલ્પ સાથે દેશની સેવા કરી છે.
નિતિન નવીને સોમવારે જારી કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, જ્યારે મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યું, તે સમયે દેશ સામે અનેક પડકારો હતા. તેમણે નવી નીતિઓ અને યોજનાઓ દ્વારા સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું. કોરોના મહામારી દરમિયાન પણ વડાપ્રધાનના નેતૃત્વમાં દેશે સંકટને અવસરમાં બદલવાનો પ્રયાસ કર્યો અને વેક્સિન વિકસાવીને આત્મનિર્ભર ભારતની દિશામાં પોતાની ક્ષમતા દર્શાવી.
તેમણે કહ્યું કે, મોદી સરકારે યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પગલાં લીધા. સ્ટાર્ટઅપ દ્વારા યુવાનોને નવી તકો મળી, જ્યારે શૌચાલય નિર્માણ અને લખપતિ દીદી જેવી યોજનાઓ દ્વારા મહિલાઓના સન્માન અને આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, દેશની સુરક્ષાના મોરચે પણ મોટો બદલાવ આવ્યો છે. નક્સલવાદના પ્રભાવને મોટાભાગે ખતમ કરવામાં આવ્યો છે અને આતંકવાદ વિરુદ્ધ પણ સરકારે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે દેશ પોતાની સીમાઓની સુરક્ષાને લઈને પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે.
નિતિન નવીને કહ્યું કે, દેશ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે પોતાના ઘરોમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવે અને તેમના દીર્ઘાયુ તેમજ યશસ્વી જીવનની કામના કરે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ