
- 12 ઓક્ટોબર સુઘી રજિસ્ટ્રેશન કરી શકાશે
અમદાવાદ,15 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 9 પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ કરશે.એએમસી ટીપી સ્કીમ અંતર્ગત શહેરના સોલા, આંબલી, ગોતા, જગતપુર અને રાણીપ સહિતના વિસ્તારોમાં અમદાવાદ મનપાને રિઝર્વેશનના મળેલા 9 પ્લોટનું ઇ-જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવશે.
આ પ્લોટના વેચાણથી 1001 કરોડ રૂપિયાની આવક કોર્પોરેશનને થશે. શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો સહિતના વિવિધ કામો પાછળ આ રકમ ખર્ચ કરાશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાની આવક ઊભી કરવા માટે કરોડોની કિંમતના પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબલી, ગોતા, સોલા, જગતપુર, અને રાણીપજેવા વિકસિત અને પોશ વિસ્તારોમાં આવેલા છે. આ તમામ પ્લોટો પૈકી સૌથી મોટો પ્લોટઉત્તર ઝોનમાં આવેલા હંસપુરા વિસ્તારમાં ટીપી 109 (મુઠિયા-હંસપુરા-બિલાસિયા)નો પ્લોટ નંબર 96 વેચાણમાં મૂકવામાં આવ્યો છે. રહેણાંક (સેલ ફોર રેસિડેન્સ) હેતુ માટેના 41,843 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ વિશાળ પ્લોટની તળિયાની કિંમત (ઓફસેટ પ્રાઇસ) પ્રતિ ચોરસ મીટર રૂ. 71,000 નક્કી કરવામાં આવી છે. માત્ર આ એક જ પ્લોટના વેચાણથી કોર્પોરેશનની તિજોરીમાં 297 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થવાનો અંદાજ છે.
તમામ 9 પ્લોટોનું વેચાણની જાહેર હરાજી 15 અને 16 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. 12 ઓક્ટોબર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી પ્લોટના જાહેર હરાજીના વેચાણની માહિતી મેળવી અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને 14 ઓક્ટોબર સુધી ઓનલાઇન બીડ ભરી શકાશે. 15 ઓક્ટોબરના રોજ હંસપુરા, આંબલી, સોલા અને ગોતાના 5 પ્લોટ અને 16 ઓક્ટોબરના રોજ ગોતા, જગતપુર, રાણીપ અને સોલાના 4 પ્લોટનું ઇ- જાહેર હરાજી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થતા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટોનું વેચાણ કરીને મેળવેલી રકમનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે કરાશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આ ભંડોળમાંથી શહેરીજનો માટે પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર (વરસાદી પાણી) લાઇન, સુંદર બાગ-બગીચા, જાહેર લાઇબ્રેરી, સિવિક સેન્ટર અને ફાયર સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ