
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધપુર શહેરના રાજપુર વિસ્તારમાં સોમવારે વરસાદી માહોલ દરમિયાન વીજ થાંભલા પર આવેલા કેબલમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઊડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં થોડા સમય માટે દોડધામ મચી હતી. શોર્ટ સર્કિટના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
ઘટનાની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ગુજરાત વીજ કંપની (GEB)ને કરી હતી. જાણ થતાં જ GEBની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સલામતીના ભાગરૂપે થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરી કેબલમાં સર્જાયેલી ખામીનું રિપેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વીજ કંપનીના કર્મચારીઓએ સમયસર કામગીરી કરી કેબલની ખામી દૂર કરી હતી. રિપેરિંગ પૂર્ણ થયા બાદ રાજપુર વિસ્તારમાં ફરીથી વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે જાનમાલનું નુકસાન થયું નહોતું. સ્થાનિકોએ સમયસર કાર્યવાહી બદલ GEBની ટીમનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ