
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત કિશોરીઓ માટે પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં ઝડપી વિકાસ થતો હોવાથી યોગ્ય અને સંતુલિત આહાર લેવો જરૂરી છે. કિશોરીઓને દૈનિક આહારમાં પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો તથા અન્ય પોષક તત્વોથી ભરપૂર ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. દાળ, કઠોળ, દૂધ, દહીં, અનાજ સહિતના પૌષ્ટિક ખોરાકના સેવનથી શરીરને જરૂરી પોષણ મળી રહે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન કિશોરીઓના બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની ચકાસણી કરવામાં આવી હતી. BMIના માધ્યમથી શરીરના વજન અને ઊંચાઈના આધારે પોષણની સ્થિતિ અંગે પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી. કિશોરીઓને સ્વસ્થ જીવનશૈલી, નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને પૌષ્ટિક આહાર અંગે પણ સમજ આપવામાં આવી હતી.
AMCના સભ્યો દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રમાં પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા તેમજ બાળકો અને લાભાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી.
પોષણ માસ દરમિયાન આવા કાર્યક્રમોના માધ્યમથી કિશોરીઓ અને પરિવારજનોમાં પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કિશોરીઓના યોગ્ય પોષણ અને સ્વાસ્થ્ય માટે જરૂરી માર્ગદર્શન સતત મળતું રહે તે માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA