
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કરચલીયા પરા સ્થિત અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમ ખાતે ‘આશીર્વાદનો દીપ’ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન એકસાથે ૬,૫૦૦ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાનને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખમય જીવન પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ૬,૫૦૦ દીવડાઓની ઝગમગતી રોશનીથી કરચલીયા પરા પ્રકાશમય બની ઉઠ્યો હતો. વડાપ્રધાનની પ્રતિકૃતિ તેમજ અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમની પ્રતિકૃતિ પણ દીવડાઓથી શણગારવામાં આવી હતી.
નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ગ્રેઈન એટીએમ ટેકનોલોજી અને જનસેવાને જોડતી મહત્વપૂર્ણ પહેલ છે. વન નેશન, વન રાશન કાર્ડની વ્યવસ્થાથી લાભાર્થીઓ દેશના કોઈપણ રાજ્યમાં હોય ત્યાંથી મળવાપાત્ર રાશનનો લાભ મેળવી શકે છે. સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે લાભાર્થીઓએ અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમમાંથી મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જથ્થો મેળવ્યો હતો. સરળતાથી અનાજ મેળવવાની સુવિધા બદલ લાભાર્થીઓએ આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો.
કાર્યક્રમમાં નરેશભાઈ મકવાણા, બિન્દુબેન પરમાર, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, કોર્પોરેટરો, અધિકારીઓ-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA