
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : આદિપુર પોલીસ મથકમાં નોંધાયેલા ડુપ્લિકેટ દારૂ બનાવવાના ગંભીર ગુનાની તપાસ દરમિયાન પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને વધુ એક સફળતા મળી છે. પોલીસ ટીમે ઉત્તર પ્રદેશમાંથી એક આરોપીને ઝડપી પાડતાં આ કેસમાં અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા આઠ સુધી પહોંચી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા હજુ વધુ સંડોવાયેલા ઇસમોની શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેચાણ, હેરફેર તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ તથા LCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આદિપુર પોલીસ મથકે 25 ઓગસ્ટ 2026ના રોજ ડુપ્લિકેટ દારૂ બનાવવાના મામલે પ્રોહિબિશન સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ LCB પૂર્વ કચ્છના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી હતી. તપાસના પ્રારંભિક તબક્કામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા.
આગળની તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે કેસમાં અન્ય સંભવિત સંડોવાયેલા ઇસમોની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો વ્યાપ વધાર્યો હતો. ટેકનિકલ માહિતી તેમજ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ આગળ ધપાવી વધુ પાંચ આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.
તપાસ હજુ ચાલુ હોવાથી બાકી રહેલા સંભવિત આરોપીઓ સુધી પહોંચવા માટે LCB દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મળેલી મહત્વપૂર્ણ બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસ ટીમે ઉત્તર પ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. આખરે 50 વર્ષીય ઉમેશ સોનકરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કાર્યવાહી LCBના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ડુપ્લિકેટ દારૂના આ કેસમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ થઈ છે અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar