ભચાઉમાં ‘નો ડ્રગ્સ’ અભિયાનને સફળતા: 234 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનને વધુ એક સફળતા મળી છે. ભચાઉ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હિંમતપુરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગેર
ગાંજા સાથે પકડાયેલ યુવક


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનને વધુ એક સફળતા મળી છે. ભચાઉ પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હિંમતપુરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 234 ગ્રામ ગાંજો કબજે કરી એક યુવકની ધરપકડ કરી છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર સેવન, સંગ્રહ, વેચાણ અને હેરફેરને અટકાવવા માટે ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ અંતર્ગત, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનને પગલે ભચાઉ વિભાગમાં પણ માદક પદાર્થો સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને આવા નેટવર્ક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

આ દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી ખાનગી માહિતીના આધારે હિંમતપુરા વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી મુજબ અલી ઉમર ભટ્ટી નામનો યુવક પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીની ખરાઈ બાદ પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને કાયદેસરની પ્રક્રિયા મુજબ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મકાનમાંથી નેટ વજન 234 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાની કિંમત અંદાજે રૂ.11,700 હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સ્થળ પરથી કાળા રંગની થેલી, એક પાવરવાળો ઇલેક્ટ્રિક કાંટો તથા પ્લાસ્ટિકની પારદર્શક સાત થેલીઓ પણ કબજે કરવામાં આવી હતી.

પોલીસે ગાંજાના જથ્થા સાથે અલી ઉમર ભટ્ટી, ઉંમર 25 વર્ષ, રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉની ધરપકડ કરી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના વેચાણ અંગે કોઈ વધુ કડી સંકળાયેલી છે કે, કેમ તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande