
- 22 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કેમ્પો યોજાશે.
- વિવિધ પ્રમાણપત્રો, દાખલા અને સરકારી યોજનાઓના લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે.
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં નાગરિકોને સરકારી સેવાઓ માટે કચેરીઓના ધક્કા ઓછા પડે અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશાળ સ્તરે ‘સેવાસેતુ 2.1’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 22 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન જિલ્લાના નવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 51 ક્લસ્ટર ખાતે આ કેમ્પ યોજાશે. આ ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં પણ અલગ અલગ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.
ભુજ તાલુકામાં માનકુવા, બળદિયા, ધાણેટી, કુનરીયા, કોટડા ઉગમણા, ખાવડા અને ભીરંડીયારા સહિતના સ્થળોએ કેમ્પ યોજાશે. ભચાઉ તાલુકામાં જનાણ, ખારોઇ, આધોઇ, ચિરઇમોટી, કુંભારડી, કણખોઇ, કટારીયા જૂના અને વાંઢીયા ખાતે આયોજન કરાયું છે. લખપત તાલુકામાં માતાના મઢ, ઘડુલી, નરા, પાન્ધ્રો, કપુરાશી, નારાયણ સરોવર અને બરંદા ખાતે સેવાસેતુ યોજાશે.
નખત્રાણામાં અંગીયા નાના, રામપર રોહા, આમારા, કાદિયા મોટા, અરલ મોટી અને પાલનપુર બાડી ખાતે, જ્યારે માંડવી તાલુકામાં મોમાયમોરા, ગુંદીયાળી, રાયણ મોટી અને બાયઠ ખાતે કેમ્પ યોજાશે. અંજાર તાલુકામાં સંઘડ, સિનુગ્રા, રતનાલ, હીરાપર, મિંદીયાળા અને વરસામેડીનો સમાવેશ થાય છે.
રાપર તાલુકામાં આડેસરથી લઈને ભીમાસર, ફતેહગઢ, બાલાસર, રવમોટી, સુવઇ, ચિત્રોડ, માણબા અને ગાગોદર સુધીના વિસ્તારોમાં કેમ્પ યોજાશે. મુંદરા તાલુકામાં દેશલપર, ગુંદાલા, વિરાણીયા અને મોટા કપાયા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
શહેરી વિસ્તારોમાં પણ સેવાસેતુની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ, માંડવી, મુંદરા, અંજાર, નખત્રાણા, ભચાઉ, રાપર અને ગાંધીધામ સહિતના શહેરોમાં વોર્ડ પ્રમાણે વિવિધ સ્થળોએ કેમ્પ યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ કેમ્પોમાં નાગરિકોને વિવિધ સરકારી દાખલા-પ્રમાણપત્રો મેળવવાની સાથે કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ મેળવવાની સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેવાસેતુના માધ્યમથી ‘સરકાર નાગરિકોના દ્વારે’નો અભિગમ સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar