
- 45,753 લોકોએ ઓપીડી માં સારવાર લીધી
અમદાવાદ,18 સપ્ટેમ્બર (હિ.સ.) ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે સોલા અને અસારવા સિવિલમાં 11 સ્વાઈન ફ્લૂના કેસ સારવાર હેઠળ છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા પલટા અને ચોમાસાના વરસાદ બાદ વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીનો સાપ્તાહિક આરોગ્ય રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 45,753 લોકોએ ઓપીડી માં સારવાર લીધી.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા અઠવાડિયામાં જ ઓપીડી વિભાગમાં 30,000 થી વધુ દર્દીઓએ સારવાર મેળવી છે, જ્યારે 26,000 થી વધુ દર્દીઓને આઇપીડી એટલે કે ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરીને સારવાર આપવામાં આવી છે.
ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં ગયા મહિનાની તુલનાએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગયા મહિને નોંધાયેલા 94 ડેન્ગ્યુ કેસની સામે આ મહિને અત્યાર સુધીમાં આંકડો 156 સુધી પહોંચી ગયો છે. જ્યારે ચિકનગુનિયાના કેસો પણ ગયા મહિનાના 10 થી વધીને 17 સુધી પહોંચ્યા છે.
જોકે, રાહતની વાત એ છે કે હિપેટાઇટિસ (કમળો), ઝાડા-ઉલટી અને મલેરિયાના કેસોમાં ગયા મહિનાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. હિપેટાઇટિસના કેસો 194 થી ઘટીને 73 પર આવ્યા છે. સ્વાઈન ફ્લૂના કેસની વાત કરીએ તો, અત્યારે બે દર્દી છે, બેય બંને ફીમેલ મહિલા છે. અને આ બંનેની કન્ડિશન સ્ટેબલ છે. એક મહિલા વિધાઉટ ઓક્સિજન છે, અને બીજા જે બેન છે એમને નેઝલ પ્રોંગ એટલે કે સામાન્ય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે. પરંતુ બંને સ્ટેબલ છે. બીજી કોઈ ચિંતાનું અત્યારે કોઈ કારણ નથી.
બીજી તરફ, સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 7 થી 13 સપ્ટેમ્બરના એક જ સપ્તાહમાં ઓપીડી વિભાગમાં 15,753 દર્દીઓ અને આઇપીડી વિભાગમાં 1,549 દર્દીઓ નોંધાયા હતા. આ સપ્તાહ દરમિયાન સોલા સિવિલમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદ સેમ્પલમાંથી 214 દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે.
આ ઉપરાંત, મલેરિયાના 1,321 શંકાસ્પદ કેસમાંથી 18 પોઝિટિવ, ચિકનગુનિયાના 16 માંથી 1 પોઝિટિવ અને સ્વાઇન ફ્લૂ (H1N1) ના 85 શંકાસ્પદ સેમ્પલમાંથી 9 દર્દીઓ પોઝિટિવ નોંધાયા છે. અન્ય પાણીજન્ય રોગોમાં એક્યુટ ડાયરિયાના 14 કેસ, બેસિલરી ડિસેન્ટરીના 14 કેસ, વાયરલ હિપેટાઇટિસ-એ નો 1 કેસ, હિપેટાઇટિસ-ઈ ના 5 કેસ અને ટાઇફોઇડના 4 કેસ સામે આવ્યા છે. તંત્ર માટે રાહતના સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગચાળાથી એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
હોસ્પિટલના જણાવ્યા મુજબ, હાલમાં હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના ડૉક્ટર્સ અને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. હાલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. તબીબી નિષ્ણાતોએ નાગરિકોને અપીલ કરી છે કે જો હાઈ ગ્રેડ ફીવર, શરીરમાં કે નાના સાંધામાં અતિશય દુખાવો, સોજો કે શરીર પર ચકામાં જેવા વાયરલ લક્ષણો જણાય, તો જાતે સારવાર ન લેતા તાત્કાલિક નજીકના ફિઝિશિયન કે કન્સલ્ટિંગ ડૉક્ટરની સલાહ લેવી. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને 24x7 ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ હોવાથી શરૂઆતના તબક્કામાં જ ટેસ્ટિંગ અને સારવાર કરાવી લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાની નોબત ટાળી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ