



કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) રવાપર ગામમાં આ વર્ષે ગણેશ મહોત્સવ ભક્તિ, સંગીત અને સાંસ્કૃતિક રંગોથી ભરપૂર રહ્યો હતો. શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના માર્ગદર્શન હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગણેશ મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલી ભવ્ય વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
સમગ્ર રવાપર વિસ્તાર ‘રવાપરના રાજા’ ગણેશની ભક્તિમાં રંગાયેલો જોવા મળ્યો હતો.મહોત્સવના પ્રથમ દિવસે સિદ્ધિવિનાયક મંદિર ખાતે પૂજન અને આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ગણેશજીની મૂર્તિને પરિવારના દાતા સ્વર્ગસ્થ ગોદાવરી વિશનજી રૂપારેલ પરિવારના કાર્યાલય ખાતે લઈ જઈ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
મુખ્ય માર્ગો, મેન બજાર અને બસ સ્ટેશન થઈ શિવ મંદિર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ રવાપર લોહાણા મહાજનવાડી ખાતે જીવણભાઈ ગઢવી અને પ્રવિણદાનભાઈ ગઢવીની સંતવાણીનો શ્રોતાઓએ આનંદ માણ્યો હતો.
બીજા દિવસે કરણીદાન ગઢવી પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી. ત્યારબાદ ભગવાન જોશી પાર્ટીના સથવારે રાસ-દાંડિયારાસ અને મહાઆરતીનું આયોજન થયું હતું. ડો. ચિરાગ એન. પટેલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. રાત્રે મોમાઈ મોરા રામામંડળ દ્વારા રામદેવપીરનું આખ્યાન રજૂ કરાયું હતું. વિવિધ ધાર્મિક પ્રસંગોના ચડાવા અને સેવાઓમાં ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ત્રીજા દિવસે સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં શિવ મંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દાતાઓ સહિત વિવિધ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશ આહીર, રામદેવસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ. સહિત અધિકારીઓ, મહાલક્ષ્મી એમ.ડી.ઓ. ઝા, રવાપર ગ્રામ પંચાયતના સરપંચ પરેશ રૂપારેલ, તાલુકા પંચાયત સભ્ય અશ્વિન રૂપારેલ અને જિલ્લા પંચાયત સભ્ય નેહા રૂપારેલનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ બાદ શિવ મંદિરથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. અંદાજે 25 ઢોલ-શરણાઈના તાલ અને ડીજેના સંગીત સાથે નીકળેલી યાત્રામાં યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી, જ્યારે યુવાનો ગણેશભક્તિના રંગે રંગાયા હતા. સમગ્ર રવાપર વિસ્તાર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મહોત્સવને સફળ બનાવવા મંડળના પ્રમુખ, હોદ્દેદારો, જૂની ટીમના સભ્યો અને કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar