



કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે કચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા અચાનક તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર એમ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી અંદાજે 12 જેટલી હોસ્ટેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ભોજન બનાવવાની પ્રક્રિયા, રસોડાની સ્વચ્છતા તેમજ ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ સહિતના મુદ્દાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કચ્છ યુનિવર્સિટીના અન્નપૂર્ણા ભવન, સરકારી બોયઝ હોસ્ટેલ, અદાણી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી હોસ્ટેલ્સ, ભચાઉની લેવા પટેલ બોર્ડિંગ તથા માંડવીની વીરાયતન સહિતની સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા હોવાને કારણે હોસ્ટેલના રસોડાંમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તે બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
FDCAની ટીમે વિવિધ સ્થળોએથી આશરે 10 જેટલા ખાદ્ય નમૂનાઓ એકત્રિત કર્યા હતા. આ નમૂનાઓને જરૂરી પૃથ્થકરણ અને ગુણવત્તા ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના પરિણામોના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
ચેકિંગ દરમિયાન રસોઈ બનાવતા અને ભોજન પીરસતા કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રસોડાના કર્મચારીઓએ માથા પર કેપ અથવા ટોપી, હાથમાં ગ્લોવ્ઝ તથા સ્વચ્છ એપ્રોનનો ઉપયોગ કરવો જરૂરી હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત ભોજનમાં દૂષિત પાણીનો ઉપયોગ ન થાય, કૃત્રિમ રંગોનો બિનજરૂરી ઉપયોગ ટાળવામાં આવે તેમજ વાસી અથવા બગડેલા શાકભાજી અને ચટણી જેવી સામગ્રીનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગે પણ કડક સૂચના આપવામાં આવી હતી.
FDCA દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ હોસ્ટેલોમાં આ પ્રકારની અચાનક તપાસ ચાલુ રાખવામાં આવશે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને મળતા ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા સંચાલકોમાં વધુ સતર્કતા રહે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar