





કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના સંવેદનશીલ દરિયાઈ સીમાડાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તકેદારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જખૌ સેક્ટરમાં 17 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજના સમયે મરીન કમાન્ડોની ટીમોએ દરિયાઈ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જખૌબંદર સહિતના વિવિધ દરિયાઈ વિસ્તારોમાં બોટોની તપાસ કરવામાં આવી હતી.
DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન મરીન કમાન્ડોની ટીમોને અલગ અલગ જૂથોમાં વહેંચીને દરિયાઈ પટ્ટામાં પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખીદરત ટાપુથી શરૂ કરીને જખૌબંદર અને ભારતસોલ્ટ સુધીના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. દરિયામાં અવરજવર કરતી બોટોની તપાસ સાથે તેમની ગતિવિધિઓ અંગે પણ જરૂરી માહિતી મેળવવામાં આવી હતી.
દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક માછીમારો સાથે પણ મરીન કમાન્ડોએ સંપર્ક કર્યો હતો. દરિયામાં માછીમારી દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ, શંકાસ્પદ હિલચાલ અથવા ઓળખ વગરની બોટ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માછીમારોને સમજાવવામાં આવ્યા હતા. દરિયાઈ માર્ગે થતી અવરજવર દરમિયાન સાવચેતી રાખવા અને આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
કચ્છનો દરિયાઈ વિસ્તાર સરહદી દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી સમયાંતરે સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ જ કડીમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારી વધારવાના ભાગરૂપે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરીનો મુખ્ય હેતુ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવાનો અને કોઈપણ અસામાન્ય અથવા શંકાસ્પદ ગતિવિધિ સામે સમયસર પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. જખૌ સેક્ટરમાં થયેલા આ ચેકિંગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં સતર્કતા વધુ મજબૂત બન્યાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar