ઢોલ-નગારાના તાલે ગુંજ્યું ‘ગણપતિ બાપ્પા મોરિયા’: મુંદરાના પુજારા ફળિયામાં ભાવભીની વિસર્જન યાત્રા સાથે ગણેશોત્સવ સંપન્ન
કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેરના પુજારા ફળિયામાં યોજાયેલા ગણેશોત્સવની ભક્તિ અને ઉલ્લાસભરી ઉજવણીનો અંતિમ દિવસે ભાવભરી વિસર્જન યાત્રા સાથે સમાપન થયો હતો. પુજારા ફળિયા મિત્ર મંડળ અને પુજારા ફળિયા મહિલા મંડળના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ ઉત્સ
પૂજારા ફળિયા ગણેશ મહોત્સવ


પૂજારા ફળિયા ગણેશ મહોત્સવ


કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેરના પુજારા ફળિયામાં યોજાયેલા ગણેશોત્સવની ભક્તિ અને ઉલ્લાસભરી ઉજવણીનો અંતિમ દિવસે ભાવભરી વિસર્જન યાત્રા સાથે સમાપન થયો હતો. પુજારા ફળિયા મિત્ર મંડળ અને પુજારા ફળિયા મહિલા મંડળના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ ઉત્સવ દરમિયાન સમગ્ર ફળિયામાં ધાર્મિક શ્રદ્ધા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

ગણેશોત્સવના દિવસો દરમિયાન ફળિયાવાસીઓ માટે વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ ભગવાન ગણેશની મહાઆરતીમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત સંગીત સંધ્યા, દેશભક્તિના ગીતો અને દાંડિયા રાસ જેવા કાર્યક્રમોએ ઉત્સવમાં રંગ પૂર્યો હતો. બાળકોની ખુશીથી લઈને યુવાનોના ઉત્સાહ અને મહિલાઓ તથા વડીલોના ભક્તિભાવ સુધી, સમગ્ર આયોજનમાં સૌની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

ઉત્સવના અંતિમ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના અને આરતી યોજાયા બાદ બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ-નગારાના તાલ સાથે નીકળેલી યાત્રામાં ભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. યાત્રા દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

વિસર્જન યાત્રામાં પ્રકાશ ગોપાલજી ઠક્કર, વિજય ચમનલાલ સોની સહિતના આગેવાનો, પુજારા ફળિયાના રહેવાસીઓ તેમજ મુંદરા શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી અને આગામી વર્ષે પણ વિઘ્નહર્તા ગણેશજી ફરીથી પધારે તેવી પ્રાર્થના કરી હતી.

આ સમગ્ર ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. આયોજકો તથા ફળિયાવાસીઓના સહકારથી ઉત્સવ અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande