
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના પ્રવેશદ્વાર પાસે મા મોઢેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિર અને માતાજીનું સ્થાન હજાર વર્ષથી પણ વધુ જૂનું હોવાનું સ્થાનિક માન્યતા છે. મા મોઢેશ્વરીને માતંગી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહા સુદ તેરસના દિવસે અહીં માતાજીનો પાટોત્સવ ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.
મોઢેરા સાથે જોડાયેલી લોકવાયકા મુજબ દ્વાપર યુગમાં આ સ્થળ ‘વેદ ભુવન’ તરીકે ઓળખાતું હતું અને અહીં ઋષિ-મુનિઓએ તપસ્યા કરી હતી. મંદિર સાથેની માન્યતા મુજબ કર્ણાટ નામના દૈત્યના ત્રાસથી કંટાળેલા મોઢ બ્રાહ્મણો અને મોઢ વાણિયાઓએ માતંગી માતાની શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ માતાજીએ અઢાર હાથનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી કર્ણાટનો વધ કર્યો હોવાનું કહેવાય છે. દૈત્યના વધ બાદ નગરજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો અને આ દિવસ મહા સુદ તેરસ હોવાનું માનવામાં આવે છે.
મંદિર સાથે જોડાયેલી માહિતી મુજબ સંવત 1966માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને મહા સુદ તેરસે માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી પાટોત્સવની પરંપરા ચાલી આવે છે.
મંદિર સાથે ‘એક ટંકે 20 મણ મીઠું વપરાશે ત્યારે મા સ્વયંભૂ પ્રગટ થશે’ તેવી લોકમાન્યતા પણ જોડાયેલી છે. આજે પણ મંદિર મોઢેરાની ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાનું મહત્વનું કેન્દ્ર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR