
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુરમાં ગ્રામ સેવા મંદિર સંસ્થા દ્વારા શરૂ કરાયેલું ‘સાર્થી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર’ મહિલાઓને કૌશલ્ય તાલીમ સાથે રોજગારની દિશા આપી રહ્યું છે. અહીં નારદીપુર અને આસપાસના વિસ્તારોની અંદાજે 100 જેટલી મહિલાઓ વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ વિનામૂલ્યે મેળવી રહી છે.
ગ્રામ સેવા મંદિર સંસ્થા વર્ષ 1930થી શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં કાર્યરત છે. મહિલાઓને પોતાના કૌશલ્યના આધારે આર્થિક રીતે સક્ષમ બનાવવાના હેતુથી સાર્થી સેન્ટરમાં બ્યુટી પાર્લર, સીવણ, મહેંદી અને રસોઈ સહિતના તાલીમ વર્ગો નિયમિત ચલાવવામાં આવે છે.
તાલીમ દરમિયાન મહિલાઓને માત્ર કૌશલ્ય શીખવવામાં આવતું નથી, પરંતુ તેનો ઉપયોગ કરીને રોજગાર કે નાના વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. બ્યુટી પાર્લરની તાલીમ બાદ ઘરેથી સેન્ટર શરૂ કરવાની, જ્યારે સીવણ શીખ્યા બાદ ઘરેથી જ કામ કરવાની તક ઊભી થઈ શકે છે. મહેંદી અને રસોઈના કૌશલ્યને પણ ઓર્ડર આધારિત કામ સાથે જોડી શકાય છે.
ગ્રામ સેવા મંદિરના મંત્રી નવીનચંદ્ર પટેલના જણાવ્યા મુજબ, મહિલાઓ પોતાના કૌશલ્યના આધારે પગભર બને અને પરિવારની આવકમાં સહયોગ આપી શકે તે હેતુથી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગોને મહિલાઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR