
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : આંબલિયાસણની શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘PM@76’ અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના 760 વિદ્યાર્થીઓએ પોતાના હસ્તે વડાપ્રધાનને પત્ર લખી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પત્રોમાં શિક્ષણ ક્ષેત્રે અમલમાં આવેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, પીએમ શ્રી સ્કૂલ યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને નમો લક્ષ્મી યોજના સહિતની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ગ્રામીણ અને આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા મળતી તકો અંગે પણ પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર લેબ અને શિષ્યવૃત્તિ જેવી સુવિધાઓનો પણ પત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષક હિતેશ ગોહિલે જણાવ્યું હતું કે, શિક્ષણ અને શિષ્યવૃત્તિ સંબંધિત યોજનાઓથી સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓને આગળ વધવાની તકો મળી રહી છે.
આચાર્ય આર.પી. ગોસ્વામી, ઇન્ચાર્જ આચાર્ય પી.કે. સોલંકી તથા આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળે પણ વિદ્યાર્થીઓની પહેલને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળામાં દેશભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR