
ભાવનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેરના બોરતળાવ ખાતે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્થાપનાથ મહાદેવ મંદિરમાં આરતી કરી વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હજારો ભાવેણાવાસીઓએ દીવડા પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાનના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના 25 વર્ષના જાહેરજીવન અને જનસેવાને બિરદાવવા ભાવનગરમાં વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બોરતળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મા નર્મદાના પવિત્ર જળના વધામણાં પણ કરવામાં આવ્યાં હતાં.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું જાહેરજીવન દેશ અને જનતાની સેવા માટે સમર્પિત રહ્યું છે. જન્મદિવસની ઉજવણી માત્ર કાર્યક્રમ પૂરતી સીમિત ન રહે, પરંતુ જરૂરિયાતમંદ લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સેવાભાવને વેગ આપવાનો સંકલ્પ લેવો જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ છે. સમાજના છેવાડાના લોકો સુધી પહોંચીને તેમને સહાયરૂપ થવું અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું એ સાચી સેવા છે.
કાર્યક્રમમાં ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના, રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA