

મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણાના વિસનગરની પીએમશ્રી પ્રાથમિક શાળા નંબર-4માં આચાર્ય મનોજભાઈ ચૌધરીની પહેલથી શરૂ થયેલી પ્લાસ્ટિક મુક્તિની મુહિમ હવે ગુજરાતની આશરે 3200 શાળાઓ સુધી પહોંચી છે. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની બોટલો તથા રિસાઇકલ ન થઈ શકે તેવા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને ઇકો-બ્રિક્સ બનાવવાની શરૂઆત કરી હતી. આ અભિયાન સાથે આશરે 30 હજાર વિદ્યાર્થીઓ જોડાયા છે અને સામૂહિક પ્રયાસથી અંદાજે 8 લાખ ઇકો-બ્રિક્સ તૈયાર કરવામાં આવી છે. આ પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે.
કોરોનાકાળ બાદ શાળાને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળા પરિસરમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી બોટલોમાં ભરી તેને મજબૂત બનાવી ઇકો-બ્રિક્સ તૈયાર કરતા હતા. આ બ્રિક્સનો શાળાના બાંધકામમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આચાર્ય મનોજભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, અભિયાનનો હેતુ માત્ર પ્લાસ્ટિકનો નિકાલ કરવાનો નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને 3R એટલે Reduce, Reuse અને Recycleની સમજ વિકસાવવાનો છે. શાળાની પહેલથી પ્રેરાઈ અન્ય શાળાઓ પણ જોડાતી ગઈ અને મુહિમનો વ્યાપ વધ્યો.
હવે વાલીઓને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR