

ગાંધીનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલબાગ ચા રાજાની તર્જ પર બનેલા 'ખાડિયાના ગણરાજ'ના ભાવ -ભક્તિપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગણપતિ બાપ્પાના ચરણસ્પર્શ દર્શનનો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ ભક્તજનોનું અભિવાદન ઝીલી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
મુખ્યમંત્રીના આગમન સાથે 'ગણપતિ બાપ્પા મોરિયા'ના હર્ષનાદ સાથે ગણેશ મંડપ ગુંજી ઊઠ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ખાડિયા વિસ્તારની લાખિયાની પોળમાં અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક અગ્રણીઓ દ્વારા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ ચા રાજાની તર્જ પર શહેરમાં પ્રથમવાર 'ખાડિયાના ગણરાજ'નું ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું છે. આ આયોજનનું ભાવનાત્મક પાસું એ છે કે, ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લહાવો મળી રહ્યો છે. બીજી વિશેષતા એ છે કે, આ ગણેશ મંડપને અમદાવાદની પોળોની હેરિટેજની થીમ પર શણગારવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ