
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સુત્રાપાડામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય સ્વચ્છતા ઝુંબેશ નગરપાલિકા પદાધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો અને નાગરિકોએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંકલ્પ લીધો છે સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ તથા ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ના સંદેશને સાકાર કરવાના હેતુથી શહેરમાં ભવ્ય સ્વચ્છતા સેવા અભિયાન યોજવામાં આવ્યું હતું. ‘સ્વચ્છતા એ જ સેવા’ના સૂત્ર સાથે યોજાયેલી આ ઝુંબેશમાં નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, નગરપાલિકા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાઈને વિવિધ સ્થળોએ શ્રમદાન કર્યું હતું.
સુત્રાપાડા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવાના હેતુથી નગરપાલિકા વિસ્તારના પાંચ મહત્વના સ્થળોએ વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુત્રાપાડા ચોપાટી, નવદુર્ગા મંદિર વિસ્તાર, બસ સ્ટેશન વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને આઇકોનિક રોડ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ દરમિયાન જાહેર સ્થળોએ રહેલો કચરો એકત્ર કરી સ્થળોને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.
અભિયાનમાં સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, પ્રમુખ પ્રતિનિધિ કાળાભાઈ બારડ, નગરપાલિકાના સભ્યો, ચીફ ઓફિસર મૌલિકભાઈ વંશ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ઉત્સાહી નાગરિકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને સ્વયં શ્રમદાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માત્ર સફાઈ કામગીરી પૂરતી મર્યાદિત ન રહેતા, શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અને જાહેર સ્થળોએ કચરો ન નાખવા અંગે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. નગરની સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકા સાથે નાગરિકોની પણ મહત્વની ભૂમિકા હોવાનું ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વચ્છ શહેર, સ્વચ્છ નાગરિક અને સમૃદ્ધ સુત્રાપાડા’ના સંકલ્પ સાથે શહેરને સ્વચ્છ રાખવા, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તથા અન્ય નાગરિકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.
નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વચ્છતા અભિયાનથી શહેરના વિવિધ જાહેર સ્થળોએ સ્વચ્છતા સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ