
અમરેલી,22 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ નજીક ચાની કિટલી પર મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી અને ધર્મકુમાર જોશીપુરા નામના યુવક વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ છે.
આક્ષેપ મુજબ, સંદીપ ધાનાણીએ ચાની કિટલી ઉઠાવી ધર્મકુમાર જોશીપુરાના માથાના ભાગે પાંચ વખત માર માર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં ધર્મકુમાર જોશીપુરાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવકના માથામાં 9 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સંદીપ ધાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સંદીપ ધાનાણી અગાઉ પણ અમરેલીના રાજકારણમાં સક્રિય રહ્યા છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ તેઓ પરેશ ધાનાણીના ભાઈ હોવાનું અગાઉ નોંધાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai