
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે કાકોશી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ કાળા રંગનું એક્ટીવા કાકોશીથી ડીંડરોલ જતા રોડ પર દોરીને આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી શખ્સને રોકી પૂછપરછ કરતાં તેની ઓળખ વિક્રમજી ઉર્ફે ભેમાજી બાબુજી ઠાકોર તરીકે થઈ હતી.
પોલીસે તપાસ કરતાં એક્ટીવાના આગળ અને પાછળ બંને તરફ નંબર પ્લેટ નહોતી. વાહન અંગે આધાર-પુરાવા માંગતા યુવક સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. જેથી પોલીસને વાહન ચોરીનું હોવાની શંકા જતા એક્ટીવા કબજે કરવામાં આવ્યું હતું. ₹45,000ની કિંમતનું એક્ટીવા કબજે કરી યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
સઘન પૂછપરછ દરમિયાન વિક્રમજી ઉર્ફે ભેમાજી બાબુજી ઠાકોરે આશરે 6 મહિના પહેલા કાકોશી-મેથાણ રોડ પર આવેલી એક સોસાયટીમાંથી રાત્રિના સમયે આ એક્ટીવાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ અંગે કાકોશી પોલીસ સ્ટેશનમાં અગાઉથી ગુનો નોંધાયેલો હતો. પોલીસે વણઉકેલાયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલી ચોરી થયેલું એક્ટીવા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ