
ભાવનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લા APMC ખાતે આવતા વાહનોના ચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન APMCમાં આવતા વિવિધ વાહનો પર આરટીઓ વિભાગ દ્વારા રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી. રાત્રિના સમયે વાહનચાલકોને અન્ય વાહનો સરળતાથી દેખાય અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય તે હેતુથી રેડિયમ પટ્ટીના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. વાહનોમાં જરૂરી સલામતી સાધનો રાખવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ તથા સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતની સ્થિતિમાં લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટેની PM-Rahat યોજના તેમજ અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવાની Rah-Veer યોજના અંગે પણ વાહનચાલકોને માહિતી આપવામાં આવી હતી. અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે માટે નાગરિકોની ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA