
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : વિજાપુર ડેપો ખાતે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેસાણાના સહાયક મોટર વાહન નિરીક્ષક ઉત્સવભાઈ ત્રિવેદી દ્વારા સલામત ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમોનું પાલન અને મુસાફરોની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને માર્ગ પર વાહન ચલાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનની ગતિ નિયંત્રણમાં રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી અકસ્માતનું જોખમ વધતું હોવાથી વાહનચાલકોએ જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા માર્ગ સલામતી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સલામત મુસાફરી અને માર્ગ પર અન્ય લોકોની સુરક્ષા જાળવવામાં દરેકની જવાબદારી અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR