
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની સરદાર નગર સોસાયટી ખાતે 23 સપ્ટેમ્બર, બુધવારના રોજ સવારે 10:20થી બપોરે 2 વાગ્યા સુધી આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ યોજાયો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ યોજાયેલા આ કેમ્પમાં સ્થાનિક લોકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કઢાવી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ યોજનાથી પાત્ર લાભાર્થીઓને ₹10 લાખ સુધીની મફત તબીબી સારવારનો લાભ મળી શકે છે.
કેમ્પ ગુરુકૃપા સોસાયટી સામે આવેલા સરદાર નગર સોસાયટીના મકાન નંબર 23 ખાતે પ્રફુલભાઈ રામીના ઘર પાસે યોજાયો હતો. સેવાભાવી કાર્યકર્તા ભરતભાઈ મોદીએ કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો અંગે માહિતી આપી હતી. રેશન મેળવતા પરિવારો માટે રેશનકાર્ડ અને આધારકાર્ડ, જ્યારે રેશન ન મેળવતા પરિવારો માટે રેશનકાર્ડ, આધારકાર્ડ તથા આવકનો દાખલો જરૂરી રાખવામાં આવ્યો હતો.
સરકારી કર્મચારીઓ માટે HRPN વેબસાઈટ પરથી મળતો G-કાર્ડ લેટર અને આધારકાર્ડ, જ્યારે પેન્શનરો માટે ટ્રેઝરીમાંથી મળતો PPO લેટર અને આધારકાર્ડ જરૂરી હતા. વર્ષ 2018થી 2023 દરમિયાન કાર્ડ કઢાવનાર લાભાર્થીઓને જૂનું આયુષ્માન કાર્ડ સાથે લાવવાનું જણાવાયું હતું. કેમ્પ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી 100થી વધુ લોકોએ લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ