
ભાવનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી સાથે પૂર્ણા દિવસની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કિશોરીઓ અને મહિલાઓમાં પોષણ, આરોગ્ય તથા સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આંગણવાડી કેન્દ્રોમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને સંતુલિત અને પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દૈનિક આહારમાં લીલા શાકભાજી, કઠોળ, દૂધ, ફળો તથા અન્ય પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આયર્ન, ફોલિક એસિડ સહિતના જરૂરી પોષક તત્વોની શરીરમાં ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
પૂર્ણા દિવસ અંતર્ગત કિશોરીઓને વ્યક્તિગત સ્વચ્છતા, માસિક સ્વચ્છતા અને આરોગ્યની કાળજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવી, યોગ્ય પોષણ મેળવવું અને કોઈપણ આરોગ્યલક્ષી સમસ્યા જણાય તો સમયસર આરોગ્યકર્મીની સલાહ લેવી જેવી બાબતો સમજાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA