
બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત “સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ તેમના રહેઠાણની નજીક એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે હતો.
કાર્યક્રમ દરમિયાન ગંગાસ્વરૂપા આર્થિક સહાય, આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક-જાતિના પ્રમાણપત્ર, મહેસૂલ રેકોર્ડમાં વારસાઈ અરજી, હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ યોજના, નમોશ્રી યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમમાં મોટી વાવડી ઉપરાંત નાની વાવડી, જાળીલા, ખસ, બગડ, ગુંદા, અલવ, ગોધાવટા અને હડમતાળા સહિતના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ગ્રામજનોને યોજનાઓ અંગે માહિતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રવિરાજભાઈ ધાધલ, પ્રવીણભાઈ બાવળીયા, વિનુભાઈ સોલંકી, નાયબ કલેક્ટર જયદીપસિંહ સોલંકી, રાણપુર મામલતદાર કે.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી સી.સી. દવે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્રસિંહ લીંબોલા, સરપંચ જયરાજભાઈ ધાધલ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA