
બોટાદ,24 સપ્ટેમ્બર (હિ.સ.)ગઢડા ખાતે ઘેલા નદીમાં જળજીલણી કાર્યક્રમ દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં મૂર્તિનો મુગટ પાણીમાં ખોવાઈ ગયો હતો. આશરે 110 વર્ષ જૂનો આ પ્રસાદીનો સોનાનો મુગટ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોવાથી તેના ખોવાઈ જતાં ભક્તો અને સંસ્થાના આગેવાનોમાં ચિંતા જોવા મળી હતી.
ઘટનાની ગંભીરતા અને મુગટ સાથે જોડાયેલી ધાર્મિક લાગણીને ધ્યાને લઈ બોટાદ ફાયર વિભાગની ટીમને ગઢડા ખાતે ખાસ સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘેલા નદીમાં જરૂરી સલામતીના સાધનો સાથે શોધખોળ હાથ ધરી હતી.
લાંબી શોધખોળ અને સતત પ્રયાસો બાદ ફાયર વિભાગની ટીમે અમૂલ્ય પ્રસાદી મુગટ સફળતાપૂર્વક શોધી કાઢ્યો હતો. મુગટ મળી આવતાં ભક્તો અને સંસ્થા સાથે જોડાયેલા લોકોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી.
આ કામગીરીમાં વેલશીભાઈ, મહેન્દ્રભાઈ, હરજીવનભાઈ, મહાવીરસિંહ અને રાજુભાઈ સહિતના ફાયર કર્મચારીઓ જોડાયા હતા. ટીમની મહેનત અને કુશળતાથી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી અમૂલ્ય વસ્તુ પરત મળી હતી.
બોટાદ ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતું કે, ગઢડા ખાતે મોકલવાનો હેતુ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આનંદ થયો છે. લોકોની આસ્થા સાથે જોડાયેલી પ્રસાદી વસ્તુ શોધી પરત મેળવવી ટીમ માટે પણ ગૌરવની બાબત છે. આ કામગીરી બદલ ફાયર વિભાગની ટીમની પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA