નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં રાણીપ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ રાણીપ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન ખાતે પ
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં રાણીપ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ રાણીપ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન ખાતે પધારીને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

લોકાર્પણ સમારંભમાં ઉદ્બોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને વારસાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. માત્ર એક જ અઠવાડિયામાં ૧૫૦ કિલોમીટરના અંતરમાં વડોદરા સ્થિત સંકલ્પ ભૂમિ અને રાણીપ (અમદાવાદ) ખાતે આધુનિક મ્યુઝિયમ જેવા શ્રેષ્ઠ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને સરકારે સામાજિક સમરસતા અને સમાનતા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી છે. આવનારી પેઢી દર પેઢી યુવાનો ડૉ. બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા મેળવી શકે તે ઉદ્દેશથી રાજ્યભરમાં વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની આવક મર્યાદા રૂ. અઢી લાખથી વધારીને રૂ. છ લાખ કરવી તેમજ સંત શિરોમણી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે સમાજ ઉત્થાન, ભવનો, શૈક્ષણિક સંકુલો અને સંસ્કૃતિ સંવર્ધન માટે રૂ. ૨૩૧ કરોડની માતબર રકમ મંજૂર કરવી એ સરકારની સામાજિક સમરસતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. તેમણે ઉપસ્થિત સૌને એક જૂથ થઈ ડૉ. બાબાસાહેબના સિદ્ધાંતો સાથે સમાજના છેવાડાના યુવાનોને મુખ્ય ધારામાં લાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાણીપ ખાતે રૂ. ૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન, મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ માત્ર એક ઇમારતનું લોકાર્પણ નથી, પરંતુ સમતા, સ્વતંત્રતા, બંધુતા અને સામાજિક ન્યાયના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત કરવાનો પવિત્ર અવસર છે. ૨૩મી સપ્ટેમ્બરના ઐતિહાસિક સંકલ્પ દિવસે જ આ સુવિધા રાષ્ટ્રને સમર્પિત થઈ રહી છે, જે ઇતિહાસમાં અમર થઈ જશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સામાજિક સમરસતા અને વંચિતોના ઉત્થાન માટે સતત સંવેદનશીલ રહીને કાર્ય કરી રહી છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારી રૂ. ૬ લાખ કરવી તેમજ સંસ્થાઓ, વસતિગૃહ અને સંસ્કૃતિ સંવર્ધન માટે રૂ. ૨૩૧ કરોડથી વધુનું ખાસ પેકેજ મંજૂર કરવું એ સરકારની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉપસ્થિત સૌને ડૉ. બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારી દેશના વિકાસ અને સમરસતામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, રાણીપ ખાતે રૂ.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ ભવ્ય ફાઉન્ડેશન, આધુનિક લાયબ્રેરી અને ઓડિટોરિયમ સંકુલ સમાજના યુવાનોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણને કારણે જ મહિલાઓને સમાન હક અને પ્રતિનિધિત્વ મળ્યું છે. રાજ્ય સરકારે શિષ્યવૃત્તિની આવક મર્યાદામાં વધારો કરવા સાથે દલિત ઉત્થાન, આવાસ યોજનાઓ, સંસ્કૃતિ સંવર્ધન અને સામાજિક સમરસતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બાબાસાહેબના વિચારોને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બંધારણ પ્રમાણે દેશ ચલાવવાનું વચન આપનારા પ્રથમ વડાપ્રધાન ગણાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ જ આ સંગ્રહાલયનું ભૂમિપૂજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બંધારણને સાર્થક કરી બતાવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

દર્શનાબહેને વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકારે જ સાચી સમરસતા સ્થાપવાનું કાર્ય કર્યું છે. સમરસતા સ્થાપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગમે ત્યારે દલિત સમાજની રજૂઆત લઈને જઈએ ત્યારે હંમેશાં ગ્રાહ્ય રાખવામાં આવે છે, એનો રાજીપો તેમણે વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને અનામતની જોગવાઈઓના કારણે જ તમામ સમાજના લોકોને પ્રગતિ, સમાનતા અને નેતૃત્વ કરવાની તક મળી છે. તેમણે બાબાસાહેબના 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો'ના સૂત્રને ચરિતાર્થ કરવા પર ભાર મૂક્યો હતો.

સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે આ મ્યુઝિયમ અને ઈ-લાયબ્રેરીને ડૉ. બાબાસાહેબના જીવન-સંઘર્ષ અને વિચારોનું જીવંત કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ડિજિટલ અને થ્રીડી ટેકનોલોજીથી સજ્જ આ સંકુલ નવી પેઢીને ડૉ. બાબાસાહેબના શિક્ષણ, બંધારણ ઘડતર અને સામાજિક ક્રાંતિના સંદેશને સરળતાથી સમજવામાં મદદરૂપ બનશે. આ મ્યુઝિયમથી રાણીપ વિસ્તારને વિશેષ ઓળખ મળી રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

પૂર્વ સાંસદ કિરીટ સોલંકીએ ૧૯૧૭માં ૨૩મી સપ્ટેમ્બરે ડૉ. બાબાસાહેબ આંબેડકરે વડોદરામાં લીધેલા સંકલ્પના ઐતિહાસિક દિવસ નિમિત્તે જ રાણીપ ખાતે ફાઉન્ડેશનનું લોકાર્પણ કરવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન અંગે ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સફાઈ કામદાર નિગમની પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમ આવેલ સફાઈ કામદારોનાં બાળકોને પ્રોત્સાહક સહાયનું વિતરણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું તથા નરસિંહ ભગત છાત્રાલય, અમદાવાદમાં રહીને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક પામનાર દિવ્યાંગ વિદ્યાર્થી વિજય કાનજીભાઈ પરમારનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના લોકાર્પણ પ્રસંગે પદ્મ શ્રી હેમંત ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ મંત્રીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિકારીઓ -કર્મચારીઓ, અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ.૧૧.૦૧ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ મ્યુઝિયમમાં બાબાસાહેબના જીવન-સંઘર્ષ, ભીંતચિત્રો (મ્યુરલ્સ), ભાષણોનો વર્ચ્યુઅલ અનુભવ, પ્રદર્શનીઓ, લાઇટ એન્ડ સાઉન્ડ તેમજ ડિજિટલ/3D/હાઈપર-રિયાલિટી પ્રદર્શનનું નિદર્શન મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બનશે. આ મ્યુઝિયમ થકી ડૉ. બાબાસાહેબ સાથે સંકળાયેલા પંચતીર્થના પ્રસંગો અને સામાજિક ન્યાયનો સંદેશ નવી પેઢી સુધી પહોંચશે. આધુનિક મ્યુઝિયમની સાથે ઈ-લાયબ્રેરીનું વિધિવત્ લોકાર્પણ કરાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande