
બોટાદ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખમીદાણા ગામે મિશન આત્મનિર્ભર ભારત પલ્સ યોજના અંતર્ગત ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગામના ખેડૂતોને ખેતી અને ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.
શિબિર દરમિયાન ખેડૂતોને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી કૃષિ વિકાસલક્ષી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય, તેની પ્રક્રિયા તેમજ યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજો અંગે સમજ આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતોને પાકની યોગ્ય પસંદગી, સમયસર વાવેતર, જમીનની ફળદ્રુપતા જાળવવા માટેના ઉપાયો અને પાકમાં આવતી જીવાત તથા રોગના નિયંત્રણ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ લઈ ખેતીને વધુ આધુનિક અને નફાકારક બનાવવાની અપીલ કરી હતી. શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોએ પણ ખેતી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA