
સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ તા. 25 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર, 2026 સુધી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ-ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ’ના સંદેશ સાથે યોજાનારા આ ઉત્સવનો હેતુ બાળકો અને પરિવારોમાં પોષણ અંગે જાગૃતિ વધારવાનો તેમજ માતાઓ, કિશોરીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનોને કાર્યક્રમ સાથે જોડવાનો છે.
‘આંગણ-ઉત્સવ’ દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા દરરોજ બે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવશે. મુલાકાત દરમિયાન બાળકોને સુખડી, ફળ તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. સાથે જ લાભાર્થીઓને ટેક હોમ રાશન (THR) અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) અંતર્ગત મળવાપાત્ર લાભો અંગે માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ઉત્સવ અંતર્ગત બાળકોના પોષણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે તંદુરસ્ત બાળકોની માતાઓ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી વર્કર, તેડાગર અને આશા વર્કરોને પણ સન્માનિત કરીને તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે