
પોરબંદર , 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા કમિશનર ની સૂચના અને નાયબ
મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા
મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ નોંધણીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અગાઉ જાહેરાત પ્રસિદ્ધ કરી મહાનગરપાલિકા વિસ્તારમાં
પશુ રાખતા પશુપાલકોને પોતાના પશુઓની નોંધણી કરાવવા અંગે જાણ કરવામાં આવી હતી. જેના
અનુસંધાને અત્યાર સુધીમાં આશરે 300 જેટલા નોંધણી ફોર્મ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયા
છે. પ્રાપ્ત થયેલા નોંધણી ફોર્મમાં પશુમાલિકો દ્વારા દર્શાવવામાં આવેલી વિગતોની
સ્થળ પર ખરાઈ કરવા માટે એ.એન.સી.ડી. શાખાના અધિકારી દિલાવર સાટી તથા તેમની ટીમ
દ્વારા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા
પશુમાલિકોના રહેઠાણ તેમજ પશુ રાખવાની જગ્યાની મુલાકાત લઈ ફોર્મમાં દર્શાવેલી વિગતો, સ્થળ પર રાખવામાં આવતા પશુઓની સંખ્યા
સહિતની જરૂરી વિગતોની ખરાઈ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી “શહેરી વિસ્તારમાં
પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગે માર્ગદર્શિકા-2023” તથા લાગુ પડતી જોગવાઈઓ અનુસાર હાથ
ધરવામાં આવી રહી છે. સ્થળ તપાસ અને વિગતોની ખરાઈની કામગીરી પૂર્ણ થયા બાદ
નિયમોનુસાર પશુદીઠ નોંધણી ફી વસૂલવામાં આવશે અને ત્યારબાદ પશુઓને આરએફઆઈડી ચીપ
લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ
પશુપાલકોને અપીલ કરવામાં આવે છે કે, જેમણે હજુ સુધી પોતાના પશુઓની નોંધણી માટેનું ફોર્મ ભર્યું નથી, તેઓએ નિયત સમયમર્યાદા તા. 28 સપ્ટેમ્બર, 2026 પહેલાં જરૂરી વિગતો સાથે ફોર્મ ભરી
પોરબંદર મહાનગરપાલિકામાં રજૂ કરવું. નિયત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લાગુ પડતી
જોગવાઈઓ મુજબ વધારાનો ચાર્જ/મોડી ફી વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. તેથી તમામ
પશુમાલિકોને સમય મર્યાદામાં પોતાના પશુઓની નોંધણી કરાવી મહાનગરપાલિકાની કામગીરીમાં
સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya