



પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છતા સંબંધી વિવિધ
પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મેયર સાગર મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર
ટી. સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અભિયાનના બીજા દિવસે શહેરના વિવિધ
વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા કામગીરી સાથે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા
માટે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અભિયાન અંતર્ગત શહેરના વધુ અવરજવર
ધરાવતા જાહેર તથા પ્રવાસન સ્થળો, બજારો, હાટ, મહોલ્લા અને રહેણાંક વિસ્તારો ઉપરાંત સરકારી તથા અર્ધસરકારી કચેરીઓ
અને જાહેર તથા સામુદાયિક શૌચાલયોની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે
સ્ટેશન, બસ સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, રમતગમત સંકુલ, જાહેર બગીચાઓ, બજાર વિસ્તારો, ધોરીમાર્ગો, બંદર તથા અન્ય મુખ્ય જાહેર સ્થળોએ
વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ બજાર અને માર્કેટ
વિસ્તારોમાં સફાઈ કામગીરીની સાથે લારી-ગલ્લા, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ તેમજ ગ્રાહકોમાં સ્વચ્છ બજાર અંગે જનજાગૃતિ
કેળવવામાં આવી હતી. કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ, કચરો યોગ્ય જગ્યાએ નાખવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તેમજ પ્લાસ્ટિકમુક્ત અને કચરામુક્ત પરિસર
જાળવવા અંગે નાગરિકોને સમજ આપવામાં આવી હતી. બજાર વિસ્તારોમાં ‘પોતાની થેલી સાથે
રાખો’ (Carry Your Own
Bag) અંગેના બેનરો
લગાવી નાગરિકોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા અને ખરીદી માટે પોતાની કાપડ અથવા
અન્ય પુનઃઉપયોગી થેલી સાથે રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. પર્યાવરણની જાળવણી
અને પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે નાગરિકોની દૈનિક જીવનશૈલીમાં નાના પરંતુ અસરકારક
ફેરફારો લાવવાની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ‘નો રેડ એન્ડ યેલો સ્પોટ’ (No Red & Yellow Spot) અંતર્ગત જાહેર સ્થળોએ ગુટખા-પાન
મસાલાની પિચકારી ન મારવી,
પાન-મસાલાના પાઉચ તથા મલ્ટી-લેયર
પ્લાસ્ટિક કચરો જાહેર સ્થળોએ ન ફેંકવો તેમજ સિગારેટના ઠૂંઠા પણ જાહેર સ્થળોએ ન
નાખવા અંગે નાગરિકોમાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી. જાહેર સ્થળોની સ્વચ્છતા
જાળવવામાં નાગરિકોની સહભાગિતા મહત્વપૂર્ણ હોવાનું જણાવી સ્વચ્છતા જાળવવા માટે
સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા માત્ર સફાઈ કામગીરી પૂરતી મર્યાદિત ન રહેતા સ્વચ્છતા અંગે
નાગરિકોની વર્તણૂકમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી સતત જનજાગૃતિ પ્રવૃત્તિઓ
કરવામાં આવી રહી છે. શહેરના જાહેર સ્થળો, બજારો અને રહેણાંક વિસ્તારો સ્વચ્છ રહે તે માટે કચરાનું યોગ્ય
વર્ગીકરણ અને યોગ્ય નિકાલ,
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઘટાડો તથા જાહેર
સ્થળોએ સ્વચ્છતા જાળવવા અંગે નાગરિકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ પોરબંદરના નિર્માણ માટે નિયમિત સ્વચ્છતા
કામગીરીની સાથે નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા વિવિધ જનજાગૃતિ
પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya