
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના કાકોશી પોલીસે સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામમાંથી નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક સાથે વિક્રમજી ઉર્ફે વીકી રાયચંદજી ઠાકોર (ઉં.30, રહે. વચલો ઠાકોરવાસ, મેત્રાણા, તા. સિદ્ધપુર, જિ. પાટણ)ને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી હીરો કંપનીની HF Deluxe મોટરસાયકલ જપ્ત કરી છે, જેની કિંમત આશરે રૂ.30,000 છે.
પાટણ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના હેઠળ કાકોશી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વી.એ. લિંબાચીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર કાનજીભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
મોટરસાયકલના એન્જિન અને ચેસિસ નંબરની તપાસ કરતા તેનું રજીસ્ટ્રેશન નંબર GJ-09-DF-5490 હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બાઈકના મૂળ માલિક શૈલેષભાઈ છગનભાઈ પટેલ, રહે. રેવાસ, તા. ઈડર, જિ. સાબરકાંઠા હોવાનું જાણવા મળ્યું હતું. બાઈક 19 ડિસેમ્બર 2020ના રોજ રેવાસ ગામેથી ચોરાઈ હતી.
આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હતો. કાકોશી પોલીસે આરોપીની ધરપકડ કરી છ વર્ષથી વણઉકેલાયેલા આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે બાઈક કબજે લઈ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ