મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: ભચાઉ પોલીસે 22 વર્ષીય યુવકને ઝડપી રૂ. 8,800 રોકડ કબજે કરી
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકામાં મંદિરને નિશાન બનાવી કરવામાં આવેલી ચોરીના ગુનાનો ભચાઉ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને માનવ સ્ત્રોતોના આધારે ચોરીની કડી આરોપી સુધ
ભચાઉ ચોરી કેસનો આરોપી


કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકામાં મંદિરને નિશાન બનાવી કરવામાં આવેલી ચોરીના ગુનાનો ભચાઉ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને માનવ સ્ત્રોતોના આધારે ચોરીની કડી આરોપી સુધી પહોંચાડવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મંદિરમાંથી ચોરી કરાયેલી રૂ. 8,800ની રોકડ રકમ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૂર્વ કચ્છ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલા પરંતુ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ તંત્ર દ્વારા તપાસને વધુ સઘન બનાવવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનમાં તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ નોંધાયેલા મંદિર ચોરીના ગુનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. સાથે જ ટેકનિકલ સોર્સ અને માનવ સ્ત્રોતો પાસેથી મળેલી માહિતીના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી હતી. વિવિધ પાસાઓની તપાસ બાદ પોલીસને એક શંકાસ્પદ વ્યક્તિ અંગે મહત્વની માહિતી મળી હતી.

આ આધારે પોલીસે સૌમ્ય ગણેશ બર્મન, ઉંમર 22 વર્ષ, હાલ વરસાણા ચોકડી નજીક, ભચાઉ ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના કટની જિલ્લાના માધવનગર વિસ્તારના રહેવાસી યુવકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ અને તપાસ દરમિયાન મંદિર ચોરીના ગુનામાં સંડોવણી અંગે કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી ચોરીમાં ગયેલી હોવાનું જણાવાતી રૂ. 8,800ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.

આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ભચાઉ પોલીસની આ કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માહિતી અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના સંકલનથી વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande