
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ક્યારેક સામાન્ય લાગતી આરોગ્ય તપાસ પણ બાળકના જીવન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. મુન્દ્રામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ હાથ ધરાયેલી શાળા આરોગ્ય તપાસ દરમિયાન 10 વર્ષની બાળકી નીખિલ કુમારના હૃદયમાં રહેલી જન્મજાત તકલીફની સમયસર ઓળખ થતાં તેને યોગ્ય સારવારનો માર્ગ મળ્યો છે. અમદાવાદમાં સફળ ઓપરેશન બાદ બાળકી સ્વસ્થ થઈ પરિવાર સાથે પરત ફરી છે.
મૂળ બિહારના વતની પરિવારની આ બાળકીની શાળા આરોગ્ય તપાસ દરમિયાન RBSK ટીમને તેના સ્વાસ્થ્ય અંગે શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. વધુ તપાસમાં જન્મજાત હૃદયરોગ (CHD) હોવાની જાણ થઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુન્દ્રાની RBSK ટીમે પરિવારને સમગ્ર પરિસ્થિતિ સમજાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આગળની સારવાર માટે સમયસર રિફરલની પ્રક્રિયા હાથ ધરી હતી.
બાળકીને વધુ સઘન અને નિષ્ણાત સારવાર મળી રહે તે માટે અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. ત્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા 14 સપ્ટેમ્બર, 2026ના રોજ બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સારવાર સફળ રહેતાં બાળકીની તબિયતમાં સુધારો આવ્યો અને તે સ્વસ્થ થઈ પોતાના પરિવાર સાથે મુન્દ્રા પરત ફરી હતી.
બાળકી ઘરે પરત આવ્યા બાદ પણ RBSK ટીમે પોતાની જવાબદારી માત્ર રિફરલ પૂરતી મર્યાદિત ન રાખી અને સારવાર પછીના સ્વાસ્થ્યનું પણ સતત અનુસરણ શરૂ રાખ્યું છે. 23 સપ્ટેમ્બરના રોજ ટીમે બાળકીના ઘરે મુલાકાત લઈ તેની તબિયત અંગે માહિતી મેળવી હતી. પરિવારને સારવાર બાદ રાખવાની જરૂરી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં સમયસરની આરોગ્ય તપાસ, યોગ્ય નિદાન, તબીબી રિફરલ અને સારવાર બાદનું અનુસરણ—આ ચારેય તબક્કાઓ મહત્વપૂર્ણ બન્યા છે. એક સામાન્ય આરોગ્ય તપાસથી શરૂ થયેલી આ પ્રક્રિયાએ બાળકીને ગંભીર હૃદયરોગની સારવાર સુધી પહોંચાડી અને પરિવારને ફરી ખુશી આપી છે. RBSKની આ કામગીરી બાળ આરોગ્ય ક્ષેત્રે સમયસર હસ્તક્ષેપ અને સંકલિત સારવારનું જીવંત ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar