રાપર પોલીસની નાઈટ પેટ્રોલિંગમાં મોટી સફળતા: 2.87 લાખનો દારૂ અને કાર કબજે, ચાલક ફરાર
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : રાપર તાલુકામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. રાપર પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી
રાપર પ્રોહીબિશન કેસ


કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : રાપર તાલુકામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. રાપર પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીથી કુલ રૂ.2.87 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, પોલીસને જોઈ કાર ચાલક વાહન રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતો. તે વખતે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રામવાવ તરફથી રાપર તરફ આવી રહેલી બલેનો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે વાહનની હિલચાલ પર નજર રાખી તેનો પીછો શરૂ કર્યો હતો.

પોલીસના પીછા દરમિયાન બલેનો કાર રતનેશ્વર મંદિર તરફ જતા રોડ પર આવેલા અવાડા સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારચાલક વાહન ત્યાં જ મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ હાથ ધરતાં તેમાં ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બીયર ટીન મળી આવ્યા હતા.

પોલીસે વાહનમાંથી કુલ 778 નંગ દારૂની ક્વાર્ટર અને બીયર ટીન સહિતનો જથ્થો કબજે કર્યો છે, જેની કિંમત આશરે રૂ.85 હજાર હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રૂ.2 લાખની કિંમતની GJ 39 CD 9927 નંબરની બલેનો કાર પણ કબજે લેવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કારચાલકની ઓળખ તથા તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande