
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સરકારી આરોગ્ય યોજનાઓ કેટલી મહત્વપૂર્ણ બની શકે છે તેનો જીવંત દાખલો ભુજ તાલુકાના માનકુવા ગામમાં સામે આવ્યો છે. અહીં રહેતા દિવ્યાંગ દંપતીના પરિવાર માટે આયુષ્માન ભારત યોજના મુશ્કેલીના સમયે આશાનું કિરણ બની છે. ગંભીર રક્તવાહિનીના અવરોધને કારણે પદમાબેન સોલંકીનો હાથ કપાવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સમયસરની સારવાર અને આયુષ્માન કાર્ડના સહારે તેમનો હાથ બચાવી શકાયો છે.
માનકુવા ગામના 49 વર્ષીય પદમાબેન મનુભાઈ સોલંકીએ બાળપણમાં જ દ્રષ્ટિ ગુમાવી હતી. માત્ર સાત વર્ષની ઉંમરે બીમારીના કારણે બંને આંખોની દ્રષ્ટિ જતી રહી હતી. બીજી તરફ તેમના પતિ મનુભાઈ પણ દિવ્યાંગ છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરી ધોરણ-12માં અભ્યાસ કરી રહી છે. મર્યાદિત આવક વચ્ચે પરિવારનું જીવન આગળ વધી રહ્યું હતું ત્યારે પદમાબેનના ડાબા હાથમાં અચાનક ગંભીર તકલીફ ઊભી થઈ.
હાથમાં સતત અસહ્ય દુખાવો થવા ઉપરાંત આંગળીઓ ધીમે ધીમે કાળી પડવા લાગી હતી. તબીબી તપાસ બાદ ડાબા હાથની મુખ્ય ધમનીમાં ગંભીર બ્લોકેજ હોવાનું નિદાન થયું. તબીબોના જણાવ્યા મુજબ તાત્કાલિક એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ ન થાય તો હાથ કાપવાની શક્યતા હતી. મોંઘી સારવારનો ખર્ચ આ પરિવાર માટે અસહ્ય હતો.
આ પરિસ્થિતિમાં PHC કોડકી હેઠળના માનકુવા-1 સબ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ પરિવારની મુશ્કેલી સમજી તાત્કાલિક કાર્યવાહી કરી. પદમાબેનનું આયુષ્માન કાર્ડ બનાવી આપવાની સાથે યોગ્ય હોસ્પિટલ અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ત્યારબાદ પદમાબેનને ભુજની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિષ્ણાત તબીબોની ટીમે સબક્લેવિયન આર્ટરી સ્ટેન્ટિંગની સફળ સારવાર કરી. આયુષ્માન ભારત યોજના હેઠળ આ જટિલ અને ખર્ચાળ સારવાર વિનામૂલ્યે મળતાં પરિવાર પર આર્થિક ભાર પણ આવ્યો નહીં.
સારવાર બાદ હાથમાં રક્ત પરિભ્રમણ સામાન્ય બન્યું અને પદમાબેન સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. પદમાબેન અને મનુભાઈએ સમયસર મદદ બદલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે યોગ્ય સમયે મળેલી સરકારી આરોગ્ય સહાય માત્ર સારવાર પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ જરૂરિયાતમંદ પરિવાર માટે જીવન બચાવતી વ્યવસ્થા બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar