
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓના રૂટ પર 25 મેડિકલ કેમ્પ અને 14 મોબાઈલ મેડિકલ ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. 20 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની સવાર સુધીમાં કુલ 14,190 પદયાત્રીઓએ મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો.
પદયાત્રીઓને માર્ગમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રૂટ પર આવેલી જનરલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ગંભીર જણાયેલા 6 દર્દીઓને વધુ સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય ટીમો દ્વારા પદયાત્રીઓ માટે 1,593 ક્લોરીન ટેબ્લેટ અને 1,164 ઓઆરએસ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડો. હર્ષિલ મીણાના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલના સંચાલન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓએ આરોગ્ય કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR