
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત શહેરમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ અને મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં CTU (Cleanliness Target Unit) તથા GVPની કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન કચરાના ચાર પ્રકારના વર્ગીકરણ અંગે ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ થાય અને સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે અંગે સંબંધિત ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ‘સંકલ્પ પત્ર’ અભિયાન અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને તેની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા તથા કચરાના યોગ્ય નિકાલ માટે સહભાગિતા સુનિશ્ચિત કરવા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે સફાઈ કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR