
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગુમ અથવા ગેરવલ્લે થયેલા 9 મોબાઈલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પરત કરાયેલા મોબાઈલની કુલ કિંમત ₹2,05,983 છે.
પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ શોધી પરત કરવા માટે નંદાસણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડે CBIR પોર્ટલ, હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી વિવિધ સ્થળે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.
પરત કરાયેલા મોબાઈલમાં Vivo, Motorola, Redmi, Realme અને Oppo કંપનીના ફોનનો સમાવેશ થાય છે. તેમાં Vivo Y31, Vivo Y400, Vivo T3 સહિતના મોડેલ છે. સૌથી વધુ કિંમતનો Vivo કંપનીનો મોબાઈલ ₹36,990નો છે, જ્યારે અન્ય મોબાઈલની કિંમત ₹16,499થી ₹24,999 સુધીની છે.
પોલીસ દ્વારા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવતા અરજદારોને રાહત મળી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.ગોહિલ, PSI જે.એમ.ગહેલાવત સહિત નંદાસણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR