
મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાંથલ પોલીસ સ્ટેશન હદના ગોવિંદવાડી (કટોસણ) વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને આરોપીના રહેણાંક મકાન તથા બાજુમાં આવેલી ઓરડીમાંથી દારૂની 55 શીલબંધ પેટી મળી આવી હતી. જેમાં કુલ 2660 શીલબંધ બોટલ હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹7,44,480 હોવાનું પોલીસે જણાવ્યું છે.
મળેલી બાતમીના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ PSI એસ.વી. પઢારિયા અને સ્ટાફે 24 સપ્ટેમ્બરના રોજ ગોવિંદવાડી (કટોસણ) ખાતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કુલ 475.2 લીટર દારૂ મળી આવ્યો હતો.
આ મામલે ઝાલા કુલદિપસિંહ હનુમાનસિંહ, રહે. ગોવિંદવાડી (કટોસણ) અને ઝાલા અજીતસિંહ ઉર્ફે રોમીયો ભીખુભા, રહે. કટોસણ સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81 અને 116(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેના વેપારમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કામગીરીમાં LCBના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR