
- સ્વચ્છતા ભંગ બદલ 24 એકમો સામે કાર્યવાહી.
પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર નગરપાલિકાએ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જાળવવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. સ્વચ્છતા માર્શલ, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર અને આરોગ્ય સ્ટાફે શહેરના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) પર અચાનક તપાસ કરી હતી.
તપાસ દરમિયાન જાહેર માર્ગો અને ખુલ્લી જગ્યાઓ પર કચરો ફેંકતા વેપારીઓ, દુકાનદારો અને લારી-ગલ્લાના ફેરિયાઓ મળી આવ્યા હતા. સ્વચ્છતા નિયમોનો ભંગ કરતા કુલ 24 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર જ કુલ રૂ.3,500નો વહીવટી દંડ વસૂલાયો હતો.
નગરપાલિકાએ નાગરિકો, વેપારીઓ અને ફેરિયાઓને ખુલ્લામાં કચરો ન ફેંકવા તથા નિયત સમય મુજબ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ