
નવસારી, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા–2026” અભિયાનની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વચ્છતા માત્ર એક ટેવ નથી પણ દૈનિક જીવનશૈલીનો ભાગ બને તેવા ઉમદા હેતુ સાથે નવસારીમાં રમતગમત, તંદુરસ્તી અને સ્વચ્છતાને જોડતી વિવિધ પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શૂન્ય-કચરા રમતોત્સવ અને પરંપરાગત રમતોનું આકર્ષણ
અભિયાન અંતર્ગત પરંપરાગત તથા સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવા વિશેષ રમતોત્સવ યોજાયો હતો. આ સમગ્ર રમતોત્સવને “ઝીરો વેસ્ટ ઈવેન્ટ” (શૂન્ય-કચરા કાર્યક્રમ) તરીકે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કચરાના યોગ્ય વિભાજન, પ્લાસ્ટિકનો વપરાશ નાબૂદ કરવા અને સ્ત્રોત પર જ કચરાનું વ્યવસ્થાપન કરવા અંગે સ્પર્ધકો અને દર્શકોને જાગૃત કરાયા હતા.
મેદાન પર રમત પણ અને સફાઈ પણ!
રમત પૂર્ણ થયા બાદ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, ગ્રામજનો અને આયોજકોએ સાથે મળીને રમતના આખા મેદાનની સામૂહિક સફાઈ હાથ ધરી હતી. આ ઉપરાંત બગીચા, શાળાઓ અને સામુદાયિક હોલ ખાતે 'ફિટ ઈન્ડિયા' સત્રો, યોગ અને ધ્યાનની પ્રવૃત્તિઓ યોજીને તંદુરસ્ત શરીર અને સ્વચ્છ પર્યાવરણનો મજબૂત સંદેશો આપવામાં આવ્યો હતો.
સ્વચ્છતા દોડ અને સાયકલોથોનમાં યુવાનોનો ઉત્સાહ
તંદુરસ્તી સાથે સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવા માટે જિલ્લામાં સ્વચ્છતા દોડ, સાયકલ યાત્રા (સાયકલોથોન) અને મેરેથોન જેવા આયોજનો કરાયા હતા, જેમાં સ્થાનિક રમતવીરો, યુવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓ તથા ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સહભાગીઓનું સ્થાનિક મહાનુભાવો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર અભિયાન દ્વારા નવસારી જિલ્લામાં “સ્વસ્થ નાગરિક–સ્વચ્છ સમાજ” ના મંત્રને નવી ઊર્જા મળી છે અને સામૂહિક જનભાગીદારી દ્વારા સ્વચ્છતા તરફ એક મજબૂત કદમ ઉઠાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે