

પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરથી અંદાજે 31 કિલોમીટર દૂર નવીબંદર ગામ નજીક હાઈવે
પર પોરબંદરથી સોમનાથ તરફ જઈ રહેલી મહારાષ્ટ્ર પાસિંગની ક્રેન નં. MH 01 DX 5696માં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની
જાણ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીને થતાં તેમણે તાત્કાલિક ફાયર એન્ડ
ઇમર્જન્સી સર્વિસિસ વિભાગની ટીમને સ્થળ પર રવાના કરી હતી. આ બનાવની વિગત એવી છે કે
પોરબંદર ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને મળેલી ઇમર્જન્સી કોલમાં નવીબંદર ગામ નજીક
હાઈવે પર ક્રેનમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી.
આ અંગે ફાયર વિભાગ દ્વારા
ક્રેનના ચાલકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ક્રેનનો પરપ્રાંતીય ચાલક ઘટનાસ્થળેથી
જતો રહ્યો હોવાથી આગ લાગવા અંગેની સચોટ વિગતો તાત્કાલિક જાણી શકાયી ન હતી.
પ્રાથમિક તબક્કે મળેલી અધૂરી માહિતીના કારણે તથા વાહન ખાનગી હોવાથી ફાયર વાહન
રવાના કરવામાં આવ્યું ન હતું. દરમિયાન પોલીસ વિભાગ દ્વારા આગની ગંભીરતાને ધ્યાનમાં
રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અને મેયર શ્રી સાગરભાઈ મોદીની સૂચનાથી વધુ
કોઈ નુકસાન ન થાય તે માટે ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગનું ફાયર વાહન તાત્કાલિક
ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ
બુઝાવવાની કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો અને હાલ આગ કાબૂમાં
છે. તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગનું વાહન અને સ્ટાફ ઘટનાસ્થળે સ્ટેન્ડબાય
રાખવામાં આવ્યા છે. તેમજ વાહનચાલકોની સલામતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે
હાઈવેનો એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે.
ક્રેનનો પરપ્રાંતીય ચાલક
ઘટનાસ્થળેથી જતો રહ્યો હોવાથી આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ ઘટનાની અન્ય વિગતો
અંગે હાલ સચોટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya