


પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : પાટણના રાજપુર ગામમાં ભાદરવા સુદ ચૌદશની સાંજે બ્રહ્માણી માતાજીની પરંપરાગત ટોપલા ઉજાણી યોજાઈ હતી. ગામની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગ્રામજનોએ ગામના પાદરે તોરણ બાંધી ધાર્મિક વિધિ કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા દૂધની ધારાવહી પણ કરવામાં આવી હતી.
ગામની સુરક્ષા અને સુખાકારી માટે ગ્રામજનોએ ગામની ફરતે સૂતરનો ધાગો બાંધી સુરક્ષા કવચ બનાવ્યું હતું. પાટણ-ચાણસ્મા રોડ પર આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં ગામના દરેક ઘરની મહિલાઓ માથા પર ટોપલામાં ખીચડી, લાડવા અને ઘી લઈને ઢોલના તાલે વાજતે-ગાજતે માતાજીના મંદિરે પહોંચી હતી.
મંદિરે પહોંચ્યા બાદ મહિલાઓ અને ગ્રામજનોએ માતાજીને નૈવેધ ધરાવી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંપરાગત ધાર્મિક વિધિને લઈને ગામના પાદરે મેળાવડા જેવો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ