
જુનાગઢ 25 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢના વંથલી ખાતે ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો હતો. આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ યુવાઓને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પણ સાધ્યો હતો.
વંથલીના દેવીપ્રસાદજી સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે આયોજિત આ ભરતીમેળામાં આશરે ૪૦ જેટલા ઔદ્યોગિક ક્ષેત્રોના નોકરીદાતાઓ અને આશરે ૮૦૦ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે યુવાનો માટે રોજગારીની વિશેષ તકો ઉપલબ્ધ થઈ રહી છે. સાથે જ ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી આવતા રોકાણના પગલે રોજગારીની નવી તકો પણ વિકસી રહી છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર જરૂરિયાત મુજબનું માનવબળ તૈયાર થાય તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
નવી શિક્ષણ નીતિમાં પણ કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ આઈ.ટી.આઈ. સંસ્થાઓમાં નવા ટ્રેડ શરૂ કરવાની સાથે રોજગારીની તકો વધુ ઉપલબ્ધ થાય તે માટે સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે.
યુવાનોને રોજગારી મળે તે માટે રોજગાર વિભાગ રોજગારદાતાઓ અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવી રહ્યો છે. ઔદ્યોગિક એકમોને આવશ્યક માનવબળ મળી રહે અને યુવાનોને પણ રોજગારી મળે તે દિશામાં રોજગાર વિભાગ કાર્ય કરી રહ્યો છે. તેમણે યુવાનોને રોજગારી માટે મળતી તકોનો લાભ ઝડપી લેવા અનુરોધ કર્યો હતો અને યુવાઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને અધિકાર મળે અને તેમના કૌશલ્યને નિખાર મળવાની સાથે તેમની મનપસંદના ક્ષેત્રમાં રોજગારી મળી રહે તે માટે વિઝન આપ્યું છે.
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ યુવા રોજગારવાંચ્છુઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સતત કંઈક નવું અને ક્રિએટિવ અભિગમ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડૉક્ટર અને એન્જિનિયરિંગ સિવાયના ક્ષેત્રોમાં પણ રોજગારીની વિશાળ તકો રહેલી છે. કાર્યકુશળતા અને કૌશલ્યવર્ધનથી સફળતા મેળવી શકાય છે.
કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રીએ રોજગાર ભરતીમેળાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ નોકરીદાતાઓ અને યુવાઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી માનવબળ અને યુવાઓને રોજગારી મળી રહે તે માટે જરૂરી સંકલન કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના ઇન્ચાર્જ રોજગાર અધિકારી બી.એ. પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતે આઈ.ટી.આઈ. જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી વાય.વી. જોષીએ આભારવિધિ કરી હતી.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શનમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આ ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધુળા, રાજકોટના નાયબ નિયામક રોજગાર સુશ્રી સી.કે. મારડિયા, અગ્રણી ગીતાબેન ત્રાંબડિયા, રોજગાર ઇન્સ્પેક્ટર વી. આર. ગઢીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ