



કચરો ઘટ્યો છતાં આંકડો વધારીને નગર પાલિકામાં ખોટાં બિલ પધરાવ્યાં
વન સ્ટેપ કન્સલ્ટન્સિને બ્લેકલિસ્ટ કરવા અને નાણાં રિકવર કરવા નોટિસ
શ્રમ કાયદા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણીય નિયમોનો પણ ભંગ થયો છે
ભરૂચ 26 સપ્ટેમ્બર (હિ.સ.)
અંકલેશ્વર નગરપાલિકાના ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટમાં કરોડોના ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર કચેરી સુરત દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એજન્સીને બ્લેકલિસ્ટ કરી ચૂકવાયેલી રકમ વ્યાજ અને દંડ સાથે કેમ રિકવર ન કરવી તે અંગે 3 દિવસમાં આખરી ખુલાસો માંગવામાં આવ્યો છે.
અંકલેશ્વર પાલિકાના સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થળ તપાસણીમાં ટેન્ડરની શરતોના ભંગ, બિલ વગરના નાણાં અને ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી સામે આવી છે. સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર કરનાર એજન્સી સામે હવે બ્લેકલિસ્ટ અને ડિપોઝિટ જપ્ત કરવાની તૈયારીઓ શરૂ થઈ છે.
રેકોર્ડ્સ સાથે છેડછાડની ભીતિ! પૂર્વ પાલિકા પ્રમુખે જૂના દસ્તાવેજો તાત્કાલિક કબ્જે કરવા માંગ કરી છે.
અંકલેશ્વર સોલિડ વેસ્ટ કૌભાંડમાં પ્રાદેશિક કમિશનર કચેરીની નોટિસ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ તપાસ એજન્સી અને વડી કચેરી પાસે તમામ હિસાબી ડોક્યુમેન્ટ્સ અને રેકોર્ડ સમયસર કબ્જે લેવા રજૂઆત કરી છે.
અંકલેશ્વર નગરપાલિકા હેઠળ કાર્યરત ઘન કચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી સંભાળતી ઇન્દોરની એજન્સી મેસર્સ વન સ્ટેપ કન્સલ્ટન્સી સર્વિસ એલએલપીને અગાઉ પ્રથમ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ 14 સપ્ટેમ્બર 2026ના રોજ 4 દિવસની સમયમર્યાદા આપવા છતાં એજન્સી દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કે પુરાવા રજૂ ન કરાતા, હવે કમિશનર કચેરી દ્વારા બીજી આકરી નોટિસ ફટકારવામાં આવી છે.
તપાસમાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે.
પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા અંકલેશ્વર સ્થિત સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની પ્રત્યક્ષ સ્થળ તપાસણી દરમિયાન અનેક ઉલ્લંઘન સામે આવ્યા હતા.
ટેન્ડરની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.જરૂરી મશીનરી અને તેના જીએસટી બિલોનો અભાવ જોવા મળ્યો હતો.
શ્રમ કાયદા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણીય નિયમોનો ભંગ થયો છે.સ્થળ પર ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી સામે આવી છે.પ્રોસેસ થયેલા કચરાના વેચાણના રેકોર્ડનો અભાવ છે.વીજ વપરાશની સામે નિકાલ કરાયેલા કચરા વચ્ચે ગંભીર વિસંગતતાઓ છે.
વીજ વપરાશ ઘટ્યો પણ કચરાનો આંકડો કાગળ પર વધાર્યો છે.તપાસ અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025 થી માર્ચ 2026 દરમિયાન પ્લાન્ટનો વીજળી વપરાશ સતત ઘટ્યો હતો, પરંતુ તે જ સમયગાળા દરમિયાન કચરા નિકાલનો આંકડો 1204 મેટ્રિક ટનથી વધારીને 1425 મેટ્રિક ટન દર્શાવવામાં આવ્યો હતો. વાસ્તવિક કામગીરી વગર જ ખોટા બિલ રજૂ કરીને સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે.
કમિશનર કચેરીએ આકરો આદેશ આપ્યો છે.
આધિક કલેક્ટર અને પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા એજન્સીને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવા, સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા અને ડિસેમ્બર 2028 થી એપ્રિલ 2026 સુધી ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ વ્યાજ અને દંડ સાથે વસૂલ કરવા અંગે 3 દિવસમાં આખરી ખુલાસો આપવા આદેશ કરાયો છે. આ સાથે જ પાલિકાના ચીફ ઓફિસરને એજન્સીના તમામ ચૂકવણાં અટકાવી દેવા અને સામેલ જવાબદાર અધિકારીઓ સામે રિપોર્ટ સોંપવા સૂચના અપાઈ છે.
દસ્તાવેજો સાથે છેડછાડની ભીતિ સેવાઈ રહી છે.
આ કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા પાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ આશંકા વ્યક્ત કરી છે કે જો વડી કચેરી દ્વારા જૂના તમામ દસ્તાવેજો અને હિસાબી ડોક્યુમેન્ટ્સ તાત્કાલિક કબ્જે લેવામાં નહીં આવે, તો પુરાવાઓ અને રેકોર્ડ સાથે છેડછાડ કે ગેરરીતિ થવાની પૂરેપૂરી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ